વાતાવરણીય ભેજ

  • વાતાવરણ કે હવામાં વ્યાપક રીતે પથરાયેલી પાણીની વરાળને ભેજ કહે છે
  • ભેજ રંગીહીન, સ્વાદહીન અને વાસ રહિત છે
  • પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે
  • પૃથ્વીની સપાટી થી 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ જોવા મળતો નથી
  • ભેજ નું માપન ટકામાં થાય છે
  • ભેજનું પ્રમાણ જાણવા માટે હાઇગ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે

ભેજનું મહત્વ

  • વાતાવરણમાં રહેલા ભેજનુ મહત્વ નીચે પ્રમાણે છે.
  • વાતાવરણમાં રહેલો ભેજ સજીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનો છે. હવામાં રહેલા ભેજનું ઘનીભવન થાય અને પછી વૃષ્ટિરૂપે પૃથ્વી પર પડે છે. તેથી સજીવ સૃષ્ટિને જોઈતું પાણી મળી રહે છે.
  • ગરમીના દિવસોમાં હવાનો ભેજ મનુષ્યના શરીરને ઠંડક આપે છે.
  • પૃથ્વી અને વાતાવરણને ગરમ કરવામાં તેમજ ઠંડા પાડવામાં ભેજ નો મુખ્ય ફાળો છે
  • પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં વાતાવરણમાંનો ભેજ અગત્યની ભૂમિકા ભજવે છે.
  • પૃથ્વી પરની સજીવસૃષ્ટિનું વિતરણ પણ પાણીની ઉપલબ્ધી સાથે સંકળાયેલું છે.
  • ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે અને પૃથ્વીની ગરમીનું નિયમન કરે છે.

સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ(વરાળ) થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.

લક્ષણો

પવનની ગતિ વધુ તેમ  બાષ્પીભવન વધુ.

જેમ તાપમાન વધતું જાય છે તેમ બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે

શિયાળા કરતા ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન વધુ થાય છે.

વિષુવવૃતીય પ્રદેશોમાં સૌથી વધુ બાષ્પીભવન થાય છે.

નિરપેક્ષ આદ્રતા(સ્પષ્ટ આદ્રતા)

કોઈપણ સમયે નિશ્ચિત કદની હવામાં ખરેખર સમાયેલા ભેજના પ્રમાણને સ્પષ્ટ અથવા નિરપેક્ષ આદ્રતા કહે છે.

ઘનીભવન

હવાના તાપમાનની બદલાતી પરિસ્થિતિ મુજબ ઘનીભવનનાં વિવિધ સ્વરૂપો તૈયાર થાય છે. ઝાકળ હિમ,ધુમ્મસ,વાદળ અને વરસાદ.

ઝાકળ

પૃથ્વીસપાટીની નજીકની હવામાં રહેલો ભેજ પૃથ્વીસપાટીના ઠંડા ભાગો કે પદાર્થો પરના પર પાણીનાં ટીપાંરૂપે ઠરે તો તેને ઝાકળ કહે છે.

હવામાં રહેલો પુરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન, શિયાળાની લાંબી રાત્રી વગેરે ઝાકળ બનવા માટેના આદર્શ સંજોગો છે.

શિયાળામાં વહેલી સવારે વૃક્ષોનાં પાંદડા ઘાસ અને મકાનો ઉપર ઝાકળ પડેલું જોવા મળે છે.

ભારતમાં ઘઉં, ચણા અને શાકભાજી વગેરે શિયાળુ પાકો માટે ઝાકળ ખૂબ જ ઉપયોગી છે.

હિમઃ-

હિમ અને ઝાકળ બનવા માટેના સંજોગો એકસરખા છે. પૃથ્વી સપાટી પરના પદાર્થો કેટલીક વાર ખૂબ જ ઠંડા પડી જતાં એના સંપર્કમાં આવેલી હવાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. પરિણામે હવામાં રહેલો વધારાનો ભેજ ઠંડા પદાર્થો ઉપર ઝાકળના ટીપાં રૂપે ઠરવાને બદલે બરફની પત્તીરૂપે ઠરે છે જેને હિમ કહે છે.

ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં શિયાળામાં હિમ પડે છે ત્યારે જીરું, ઇસબગુલ,વરિયાળી,તમાકુ,કપાસ વગેરે પાકો ને ખૂબ જ નુકસાન થાય છે.

ધુમ્મસ

ધુમ્મસ પૃથ્વીસપાટીની નજીકની હવાનું  ઘનીભવનનું સ્વરૂપ છે. તે મોટે ભાગે કોઈક વિસ્તાર પર સ્થિર થયેલ હોય છે. પૃથ્વીસપાટીની નજીકની હવાનું તાપમાન ઝાકળબિંદુ નીચું જતા હવામાં રહેલા ભેજનું ઘનીભવન થાય છે એના જલકણો કે હિમકણો બને છે. જે હવામાં લાંબા સમય સુધી તરતા રહે છે. અને વાદળ જેવો દેખાવ બનાવે છે. તેને ધુમ્મસ કહે છે.

વાદળ

પૃથ્વીસપાટીથી ઊંચેની હવામાં રહેલુ ધુમ્મસ વાદળ તરીકે ઓળખાય છે. ભેજવાળી હલકી હવા ઊંચે જતા ઠંડી પડે છે. તેમાં રહેલો ભેજ ઠરે છે ઊંચે ચઢતી હવાનું તાપમાન ઝાકળબિંદુથી નીચે જતાં વધારાના ભેજનું ઘનીભવન થાય છે અને હવામાં આવેલો ભેજગ્રાહી રજકણો ઉપર પાણીના અસંખ્ય જલબુંદો બંધાય છે. હવાનું નુ તાપમાન 0 ડીગ્રી સે.થી નીચું જાય તો તે રજકણો ઉપર જલબુંદો બદલે સુક્ષ્મ હિમપત્તિઓ બંધાય છે.આ જલબુંદો કે હિમપત્તિ વજનમાં હલકી હોવાથી હવામાં તરતા રહે છે. જેને વાદળ કહે છે.

વાદળનો અર્થ અને પ્રકારઃ-

પૃથ્વી સપાટી ઉપરની હવામા પાસ-પાસે આવેલા અસંખ્ય તરતા જલબુંદો કે હિમપત્તીઓના સમૂહને વાદળ કહે છે.

વાદળોની ઊંચાઈ અને સ્વરૂપ રચનાને આધારે તેના મુખ્ય ચાર પ્રકાર પડે છે.

  1. તંતુ વાદળ
  2. પડ વાદળ
  3. ઢગવાદળ
  4. વર્ષા વાદળ


  1. તંતુ વાદળ

તંતુ વાદળો આકાશમાં લગભગ 10 કિલોમીટરથી વધુ ઊંચાઈ જોવા મળે છે. આ વાદળો સુક્ષ્મ હિમપત્તિઓના બનેલા હોય છે. તેથી તે સૂર્ય પ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે. અને સૂર્યાસ્ત સમયે રંગીન લાગે છે.

તંતુ વાદળો વિખરાયેલા પીછાંનાં સ્વરૂપે જ્યારે પથરાયેલા હોય છે. ત્યારે સારા હવામાનનો નિર્દેશ કરે છે.પરંતુ જો નિયમિત પટ્ટામાં ગોઠવાયેલાં હોયતો ખરાબ હવામાન અથવા ચક્રવાતનું આગમન સુચવે છે. આ વાદળો વરસાદ આપતા નથી.

2. પડ વાદળ

પૃથ્વીસપાટીથી આશરે 10 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં આ વાદળો જોવા મળે છે. જેમ ખારી બિસ્કીટમાં એક પડ પર બીજું પડ ગોઠવાયેલું હોય છે તેવી જ રીતે આ પ્રકારના વાદળમાં એક પડ પર બીજું પડ ગોઠવાયેલું હોય તેવો તેનો વિશિષ્ટ આકાર હોવાથી આ વાદળ પડ વાદળ તરીકે ઓળખાય છે. હવાના ઉપરનાં થરોમાં એક બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજી બાજુથી ઠંડી હવાનો પ્રવાહ એકબીજા ઉપર થઈને આવે,તો પડ વાદળ જેવો આકાર બને છે.નીચા પડ વાદળો ધીમો વરસાદ આપે છે.પરંતુ આકાશમાં ચાદરની જેમ પથરાયેલા વધુ ઊંચાઈના પડ વાદળો વરસાદ આપતા નથી.

3. ઢગવાદળ

પૃથ્વીસપાટી થી 5૦૦ મીટર થી શરૂ કરીને લગભગ 10 થી 12 કિલો મીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે. રૂના ઢગલા જેવો તેનો વિશિષ્ટ દેખાવ હોવાથી તે ઢગ વાદળો તરીકે ઓળખાય છે. દિવસે ગરમ હવાના ઉષ્ણતાનયનના પ્રવાહોથી ઢગ વાદળો વિસ્તરે છે. અને રાત્રે તેઓ અદ્રશ્ય થઈ જાય છે. ખુબ મોટા ઢગ વાદળો વર્ષા વાદળમાં ફેરવાઈ જાય છે ત્યારે તે ગાજવીજ સાથે વરસાદ આપે છે.

4. વર્ષા વાદળ

પૃથ્વીસપાટીથી વધુમાં વધુ 2 કિ.મી.ની ઊંચાઈ સુધી માં આ વાદળો જોવા મળે છે. અન્ય વાદળોની સરખામણીમાં તે સૌથી નીચા વાદળો છે. આ વાદળો ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે. આ વાદળો ખૂબ જ ગાઢ,નજીક નજીક અને ઘેરા રંગના હોય છે. વર્ષાઋતુમાં ક્યારેક આખું આકાશ વર્ષા વાદળોથી ઘેરાઈ જાય છે. કાળા ડિબાંગ વાદળોથી છવાયેલા આકાશને જોઈને ચોમાસાનો અનુભવ થાય છે.

વૃષ્ટિ

પૃથ્વી સપાટી પરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ભળે છે. આ ભેજનું હવામા ઘનીભવન થઈને તે વિવિધ રૂપે પૃથ્વી સપાટી પર પાછો ફરે છે જેને વૃષ્ટિ કહે છે.

સામાન્ય રીતે વૃષ્ટિ ઇંચ,સેન્ટીમીટર અને મીલીમીટરમાં મપાય છે.

વૃષ્ટિના મુખ્ય ચાર સ્વરૂપ છે

હિમ

ભેજવાળી હવા નું તાપમાન 0 સે.થી નીચુ જતાં એના ભેજનુ ઘનીભવન થાય છે ભેજ નાના હિમકણો કે નાની હિમપત્તીઓના રૂપમાં ફેરવાય છે. આ હિમકણો કે હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિરૂપે પૃથ્વીસપાટી પર પડે છે. જે ને હિમવૃષ્ટિ કહે છે.

કેનેડા,ગ્રીનલેન્ડ તેમજ ધ્રુવપ્રદેશોમાં હિમવર્ષા સામાન્ય છે. હિમાલય,ઍન્ડિઝ,રોકીઝ જેવા ઊંચા પર્વતોના શિખર પર હિમવૃષ્ટિ થાય છે.

હિમવૃષ્ટિથી જે તે પ્રદેશ નું હવામાન ઠંડુ થાય છે. અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તારો સુધી પહોંચે છે. શિયાળામાં હિમાલય પર ભારે હિમવૃષ્ટિ થાય છે ત્યારે સમગ્ર ઉત્તર ભારત,રાજસ્થાન,ગુજરાત સુધીની ઠંડીનું મોજું ફરી વળે છે.

કરા વૃષ્ટિ

વાદળમાંથી નીચે પૃથ્વીસપાટી તરફ આવતા પાણીના ટીપા ઉષ્ણતાનયનથી ઉદ્ભવેલા ઊર્ધ્વપ્રવાહો દ્વારા ઊંચેની ઠંડી હવાના સ્તરોમા ધકેલાય છે. ત્યાંરે તે ઠરીને બરફના કણો માં ફેરવાય છે. આ બરફ કણો હવામાં નીચે તરફ આવે છે. ત્યારે એના ઉપર બીજો વધુ ભેજ ઠરે છે. તેથી બરફકણો મોટા બને છે. કેટલીક વાર તો એક બરફ કણ નીચે પડે તે પહેલા એકથી વધુ વાર ઉષ્ણતાનયનના પ્રવાહોમાં ઉપર-નીચે ધકેલાય છે. પરિણામે કદમાં તે મોટો થતો જાય છે. અને છેવટે પૃથ્વીસપાટી પર બરફના નાના-મોટા ગાંગડા રૂપે પડે છે. જેને કરા કહે છે. કેટલીક વાર કરા વૃષ્ટિથી ખેતીના પાકોને તેમજ જીવ-સૃષ્ટિને નુકસાન પણ થાય છે.

સ્લીટવૃષ્ટિ

સ્લીટવૃષ્ટિ ને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહે છે. વૃષ્ટિના ટીપાં નીચે જમીન પર પડતા પહેલા વચ્ચે માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાંથી પસાર થતાં તે ત્યાં થીજી જાય છે. અને બરફ કણો રૂપે જમીન પર પડે છે જેને સ્લીટ વૃષ્ટિ કહે છે.

સ્લીટવૃષ્ટિમાં નીચે પડતા બરફ કણો પોચા કે અર્થે થીજેલા હોય છે. જેમાં બરફ કણોની સાથે પાણીના ટીપા પણ હોય છે.મુખ્યત્વે ધ્રુવીય  વિસ્તારોમાંથી ઠંડી હવા મધ્ય અક્ષાંશીય વિસ્તાર ઉપર ધસી આવે છે. ત્યારે ત્યા કેટલીક વાર સ્લીટવૃષ્ટિ થતી જોવા મળે છે. દુનિયાના કેટલાક વિસ્તારોમાં જ્યારે પણ સ્લીટવૃષ્ટિ થાય છે. ત્યારે માર્ગ-અકસ્માતો વધી જાય છે

જળ વૃષ્ટિ

વાદળમાં રહેલો ભેજ જલબુંદો કે ફોરા રૂપે જમીન પર પડે છે. તેને જળવૃષ્ટિ કહે છે.

વાદળમાં તરતા આશરે 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો એકબીજામાં ભળે છે. ત્યારે નીચે પૃથ્વીસપાટી પર આવી શકે તેવી ક્ષમતા ધરાવતું એક જલબુંદ તૈયાર થાય છે. જલબુંદો મોટે ભાગે 5 મીલિમિટર વ્યાસથી પણ નાનાં હોય છે.

જળ વૃષ્ટિ ના પ્રકારોઃ

ભૂપૃષ્ટ કે ઊંચાઈ વૃષ્ટિ  વરસાદ

સમુદ્ર પરથી આવતાં ભેજવાળા પવનોના માર્ગમાં કોઈ પર્વતીય પ્રદેશ આવે તો આ પવનો પર્વતની પવનાભિમુખ બાજુ સાથે અથડાઈને ઊંચે ચડે છે. ઊંચે ચઢતી હવા ઠંડી પડવાથી એમાં રહેલા ભેજના વાદળો બંધાય છે. જે ઠંડા થતાં પર્વતની પવનાભિમુખ બાજુના ઢોળાવો પર વૃષ્ટિ થાય છે. તેને ઊંચાઈની કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ કહે છે.

આ પવનો વૃષ્ટિ આપી ઓછા ભેજવાળા બની આગળ વધે છે. તેઓ પર્વત ઓળંગી એની પવનવિમુખ બાજુએ નીચે ઉતરે છે. નીચે ઉતરતા પવન ઉપર હવાનું દબાણ વધે છે. અને તે ગરમ બને છે. પરિણામે પર્વતની પવનવિમુખ બાજુએ આ પવનો ઓછી વૃષ્ટિ આપે છે.પર્વતની આ ઓછી વૃષ્ટિવાળી બાજુને વર્ષાછાયાનો પ્રદેશ કહે છે.

ભારતમાં પશ્ચિમઘાટની પશ્ચિમ બાજુએ આવેલ કોંકણ મલબારના કિનારાનો પ્રદેશ પવનાભિમુખ પ્રદેશ છે. તેથી ત્યા વૃષ્ટિ વધુ થાય છે. જ્યારે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ આવેલા દખ્ખણનો ઉચ્ચપ્રદેશ પવનવિમુખ પ્રદેશ છે. ત્યાં ઓછી વૃષ્ટિ થાય છે.

પશ્ચિમઘાટની પવનાભિમુખ બાજુએ આવેલા મુંબઇમાં વર્ષ દરમિયાન આશરે 2૦૦ સેમી જેટલી વૃષ્ટિ થાય છે જ્યારે પશ્ચિમઘાટની પવનવિમુખ બાજુએ થોડે દૂર આવેલા પૂણેમાં આશરે માત્ર 8૦ સેમીથી ઓછી વૃષ્ટિ થાય છે.

ઉષ્ણતાનયનનો વરસાદ

પૃથ્વીસપાટી પરની ગરમ, ભેજવાળી અને હલકી હવા ઉષ્ણતાનયનના પ્રવાહો દ્વારા ઊંચે ચડે છે. ઉંચાઈએ ઠંડીને લીધે તેમાં રહેલો ભેજ ઠરે છે તેનું ઘનીભવન થઇને વાદળો બને છે. અને દરરોજ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વૃષ્ટિ પડે છે. આ પ્રકારની વૃષ્ટિને ઉષ્ણતાનયન કે સંવહનીક વૃષ્ટિ કહે છે.

આ પ્રકારની વૃષ્ટિ ધોધમાર થતી હોવાથી જમીનનું ધોવાણ ખૂબજ થાય છે. તેમજ આ વૃષ્ટિ દ્વારા પડતુ પાણી જમીનમાં ઉતરવાને બદલે વહી જતું હોવાથી ખેતીના વિકાસ માટે ઓછું ઉપયોગી છે.

ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ

 

ગરમ અને ઠંડી હવાના વિશાળ જથ્થાઓ એકબીજાને જ્યાં મળે છે ત્યા સ્પર્શસપાટી પાસે ચક્રવાત ઉદ્ભવે છે. ચક્રવાતના મધ્ય ભાગમાં હવાનું દબાણ ઘણું ઓછું હોય છે. પરિણામે ચારેબાજુએ આવેલી ભારે દબાણવાળી હવા ચક્રવાતના કેન્દ્ર તરફ વેગ સાથે ધસી આવે છે. પૃથ્વીની ધરિભ્રમણ ગતિને લીધે આગરમ હવા ચકરાવો લઈને ઊંચે ચડે છે. ઊંચાઈએ રહેલી ઠંડીને લીધે એનો ભેજ ઠરે છે. અને પછી ઘનીભવન થાય છે. છેવટે ચક્રવાતની મધ્યમાં અને આસપાસ ખૂબ જ સારો વરસાદ પડે છે. જેને ચક્રવાત કે વંટોળનો વરસાદ કહે છે.

મધ્ય અક્ષાંશોના પ્રદેશોમાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. ઉત્તર ભારતમાં ઘણી વાર શિયાળામાં આ પ્રકારનો વૃષ્ટિ થાય છે.

કૃત્રિમ વૃષ્ટિ

વર્તમાનમાં માનવી કુત્રિમ પદ્ધતિ વડે કુત્રિમ વૃષ્ટિ વરસાવવાના પ્રયોગો હાથ ધરે છે.

ચોમાસાની ઋતુ હોવા છતાં પાણીના અભાવે ખેતીના પાકો સુકાતા હોય આવા સમયે અવકાશમાં વરસાદી વાદળો છવાયા હોય પણ વૃષ્ટિ થતી ન હોય ત્યારે કુત્રિમ પદ્ધતિ વડે વૃષ્ટિ પાડવામાં આવે છે. જેને કુત્રિમ વૃષ્ટિ કહે છે.

‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મિટિયોરોલૉજી’  જેવી સરકારી સંસ્થાઓ તથા કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા કૃત્રિમ વૃષ્ટિ માટેના પ્રયોગો હાથ ધરવામાં આવે છે. આ પ્રયોગમાં વિમાન હેલિકોપ્ટર વડે અવકાશમાં 2 થી 3 કિલો મીટરની ઉંચાઈએ જઈને વરસાદી વાદળો પર સોડિયમ ક્લોરાઈડ અને સૉફ્ટ સ્ટોનને 9:1ના પ્રમાણમાં મિશ્ર કરીને છાંટવામાં આવે છે. કેટલીક વાર સિલ્વર આયોડાઈડની વરાળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કૃત્રિમ વરસાદથી સુકાતી ખેતીને બચાવી શકાય છે. 1978-79ના વર્ષમાં ભાવનગર જિલ્લામાં કૃત્રિમ વર્ષાના પ્રયોગો દ્વારા 3 થી 10 સેમી વરસાદ વરસાવવામા આવ્યો હતો.

વૃષ્ટિના વિતરણ પણ કયા પરિબળો અસર કરે છે