- વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી સાત અબજને પાર કરી ગઈ છે
- વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે.
- આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે.
- વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્ત્વની છે :
- (1) વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે.
- (2) ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઈષ્ટતમ ઉપયોગ થશે નહિ જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે.

વસ્તી વધારાના કારણો




ભારતમાં ઊંચા જન્મદર માટેનો આર્થિક કારણો (પરિબળો) સમજાવો.
આર્થિક કારણો :
1. શિક્ષણનું નીચું પ્રમાણ : શિક્ષણ અને વસ્તી વચ્ચે અતત્યંત જટિલ સંબંધ છે. જેમ દેશમાં શિક્ષણ વધે તેમ જન્મદર ઘટે છે. કારણ કે ભણેલા લોકો નાના કુટુંબના ફાયદાથી પરિચિત હોય છે. જ્યારે અભણ લોકો નાના કુટુંબનું મહત્ત્વ સમજતા નથી, માટે અભણોને ત્યાં બાળકોની સંખ્યા વધારે હોય છે. તેથી જન્મદર ઊંચો છે. ઉપરાંત દુનિયામાં અભ્યાસોથી એવું સાબિત થયું છે કે જો સ્ત્રી પ્રાથમિક ધોરણ સુધી ભણેલી હશે તો તેને ત્યાં ઓછાં બાળકોનો જન્મ થયો હશે. ભારતમાં બહેનોમાં શિક્ષણ ઓછું છે તેથી જન્મદર ઊંચો છે.
2. આવકનું નીચું પ્રમાણ :
→ ગરીબ કુટુંબમાં બાળક જવાબદારી નહીં પરંતુ અસ્ક્યામત ગણાય છે. ગરીબો બાળકને આવક કમાવવાનું સાધન ગણે છે.
'ઝાઝા હાથ રળિયામણા' એ કહેવત અનુસાર બાળક જેમ વધારે તેમ ભવિષ્યમાં કુટુંબની આવક વધારશે તેવી આશા રાખવામાં આવે છે.
દા.ત. ચાની કીટલી, સ્કૂટર મિકેનિક, નાની હોટલોમાં ગરીબોનાં બાળકો નાનપણથી જ આવક કમાવાનું શરૂ કરી દે છે.
3. બાળમૃત્યુદરનું ઊંચું પ્રમાણ :
જીવતાં જન્મેલા દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યાને બાળમૃત્યુદર કહે છે.
ભારતમાં બાળમૃત્યુદરનું પ્રમાણ
| વર્ષ |
બાળમૃત્યુદર (દર હજારે) |
| 1951 | 146 |
| 2011 | 41.40 |
બાળમૃત્યુદર ઊંચો હોવાનાં કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરેને કારણે બાળમૃત્યુ વધારે થતાં હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે જે ઊંચા જન્મદરમાં પરિણમે છે.
અન્ય પરિબળો
(1) ઊંચો પ્રજનન-દર :
“વર્ષ દરમિયાન 15થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતાં જન્મેલાં બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે.
ભારતના વસ્તીમાળખાની એક વિશેષતા ઊંચા પ્રજનનના દર અંગેની છે.
બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ. 1961માં આ વય-જૂથમાં રહેલી મહિલાઓ માટે
સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી જે 2011માં ઘટીને 3 જેટલી થઈ છે. તેમ છતાં આ પ્રમાણે થોડું ઊંચું કહી શકાય.
સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર હોઈ શકે :
(1) ભારતમાં નાની વયે થતાં લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે અને
(2) માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે.
(2) કુટુંબનિયોજન અંગેની માહિતીનો અભાવ :
"કુટુંબનિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમયમર્યાદા નક્કી કરવી.
” ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત-રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબનિયોજન સામે અવરોધ ઊભા થાય છે.
તે ઉપરાંત કુટુંબનિયોજન માટેનાં વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મ-દરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે.
નીચા મૃત્યુ-દરનાં કારણો :
1 જીવનધોરણમાં સુધારો : આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવનધોરણમાં સુધારો થયો છે. દેશના લોકો પહેલાં કરતા સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. જેના પરિણામે મૃત્યુ-દર ઘટયો છે.
2 રોગચાળા પર નિયંત્રણ : 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મૅલેરિયા જેવા જીવલેણ રોગોનાં કારણે મૃત્યુ-દર ઊંચો હતો પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ-પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપર્યુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જેના પરિણામે મૃત્યુ-દર ઘટયો છે.
3 દુષ્કાળ પર અંકુશ : વિજ્ઞાન અને ટેક્નોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શકાયા છે. 1966થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શક્યા છીએ.
4 કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહનવ્યવહારની સગવડો (Transportation): દેશમાં પહેલાં ધરતીકંપ, ત્સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુ-દરનો આંક ઊંચો હતો. આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુ-દરમાં ઘટાડો થયો છે.
વસ્તી-નિયંત્રણના ઉપાયો (Measure of Population Control)
1 લોકશિક્ષણ અને જાગૃતિ :
જન્મ-દરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્ત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ.
ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગ્રત થાય તે જરૂરી છે. આ માટે સંદેશાવ્યવહારનાં વિવિધ માધ્યમો દ્વારા વસ્તીશિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
શાળા-કૉલેજમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવાં, નાટક, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય. વર્ષ 2000ની વસ્તીનીતિમાં મહિલાવિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ "શિક્ષણ એ સંતતિ-નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે.”
.2 કુટુંબનિયોજન કાર્યક્રમની અસરકારકતા :
કુટુંબનિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોકશિક્ષણની સાથે-સાથે કુટુંબનિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે.
સંતતિ નિયમનનાં સાધનો સાદાં, સસ્તાં અને સુલભ બની રહે તે જરૂરી છે.
2000ની વસ્તીનીતિમાં કુટુંબનિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધીકરણને અપાતા વધુપડતા મહત્ત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
3 મહિલાઓની લગ્નવય અને દરજ્જામાં વધારો :
લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્નવય વધારીને જન્મ-દરમાં ઘટાડો નિપજાવી શકાય. 2000ની વસ્તીનીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વર્ષના સ્થાને શક્ય હોય, તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન અપાયું છે.
સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તોપણ જન્મદર ઘટી શકે છે. સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે. તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખે છે.
4. પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો :
સરકાર તરફથી આપવામાં આવતાં પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો કુટુંબનિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વંધ્યીકરણનું ઓપરેશન કરાવનાર દંપત્તીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે.
વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિનપ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. જેમાં બે બાળકવાળાં દંપત્તીઓના મહત્ત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે થોડા સમયથી આમાં છૂટછાટો આપી છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે કરતા વધારે સંતાન હોય તે દંપતી ચૂંટણી લડી શકતા નથી.
5 તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો :
ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો. રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક તથા અસરકારક બનાવવી. 'એઈડ્સ' જેવી બાબતો અંગે જાણકારી વધારવી, અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો આ પ્રકારનાં પગલાં મૃત્યુના દર તથા બાળમૃત્યુના દર નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે.
વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તીનીતિ દ્વારા ભારતમાં થયો. નવી વસ્તીનીતિ (2000) માટેની સમિતિની રચના ડૉ. એમ. એસ. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી.
વસ્તીનીતિનાં વિવિધ પગલાંને કારણે સમાજકલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકશે અને વસ્તીવધારા સામે સ્વયં જાગૃતિ આવશે.